બોપલ પોલીસે ગોધાવીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડતા જુગારીઓ વચ્ચે ભાગદોડ થતા એક પુરુષનું મોત થયું હતું. આ ઘટના બાદ ગ્રામજનો મૃતદેહ લઇને બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિવારનો આક્ષેપ હતો કે, પોલીસના ધક્કાથી તેમનું મોત થયું છે. જોકે સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
બોપલ પોલીસે ગોધાવી ગામની પાછળ ચાલતા જુગારના અડ્ડા પર રેડ પાડતા દોડધામ દરમિયાન મંગળસિંહ વાઘેલા નામના વ્યક્તિનું પડી જવાથી માથાના ભાગે ભારે ઇજા થતા મોત થયું હતું. આ ઘટના બાદ બોપલ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. બોપલ પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા અને ગ્રામજનોને સમજાવા પ્રયાસ કર્યો હતો. મૃતકના ભાઇ રણજીતસિંહે આક્ષેપ કર્યો હતો કે, મંગળસિંહ ખેતરેથી પરત આવી રહ્યાં હતા ત્યારે ગામના કેટલાક લોકોમાં દોડાદોડી થતા તેઓ પણ ભાગવા જતા પોલીસે તેમને ધક્કો માર્યો હતો, જેથી નીચે પડવાથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ થયું છે.
પોલીસે કોઈને ધક્કો માર્યો નથી: ડીવાયએસપી
બોપલ પોલીસ સ્ટેશના ડીવાયએસપી કે.ટી.કામટિયાએ જણાવ્યું હતું કે,‘ખાનગી કાર લઈ પોલીસ જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે અમારી ટીમ જુગારના અડ્ડા પર રેડ પાડવા ગોધાવી ગામમાં પહોંચી હતી. આ દરમિયાન ગોધવીમાં કાર ઉભી રાખી અને પોલીસ જવાનો નીચે ઉતર્યા ત્યાં તો જુગાર રમતા લોકો ભાગવા લાગ્યા હતા. મંગળસિંહને તેમાંથી કોઈનો ધક્કો લાગ્યો હતો. પોલીસ જવાનો કોઈને પકડવા દોડ્યા જ નથી. પરિવારના આક્ષેપ મુજબ અમે અકસ્માત મોતની નોંધ કરી જવાબ લીધા છે. મૃતક મંગળસિંહનો મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે. પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરીશું.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gHeaCr
No comments:
Post a Comment