અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના દર્દીમાં રેમેડેસિવિરથી સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે, પણ તેની સામે માત્ર બે કંપની દ્વારા આ ઇન્જેક્શન બજારમાં ઉપલબ્ધ હોવાથી તેની અછત ઊભી થઈ છે. જોકે હવે રેમેડેસિવિર બનાવતી હિટ્રોન અને સિપ્લા કંપનીની સાથે હવે અમેરિકાની માયલન લેબે બેંગ્લુરુમાં રેમેડેસિવિરનું ઉત્પાદન શરૂ કર્યું છે અને 5 હજાર ઇન્જેક્શનની પ્રથમ બેચ તૈયાર થતાં રવિવારે હવાઈ માર્ગે ગુજરાત સરકારને મોકલી આપ્યાં છે. દવા બજારમાં પણ આ કંપની દ્વારા ઇન્જેક્શન ઉપલબ્ધ થતાં રેમેડેસિવિરનાં ઇન્જેક્શનની અછત ઘટશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું કે, દેશમાં હિટ્રોન અને સિપ્લા કંપની દ્વારા રેમેડેસિવિરનાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાય છે, જોકે તેની સામે ઇન્જેક્શનની માગ વધુ હતી, જેથી લોકોને ઇન્જેક્શન આસાનીથી મળતાં નથી, પણ હવે મહિને 4 લાખ ઇન્જેક્શનના ઉત્પાદનની ક્ષમતા ધરાવતી અમેરિકાની માયલન લેબને ભારતમાં ઉત્પાદન કરવાની મંજૂરી મળ્યા બાદ કંપનીના બેંગ્લુરુ ખાતેનાં પ્લાન્ટમાં રેમેડેસિવિરનું ઉત્પાદન શરૂ કર્યું છે અને રેમેડેસિવિરની પ્રથમ બેચ તૈયાર થતાં દેશમાં પ્રથમવાર કંપનીએ ગુજરાત સરકારને 100 મિલી ગ્રામનાં 5 હજાર રેમેડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રવિવારે હવાઇ માર્ગે મોકલી આપ્યો છે.દવા બજાર અને હોસ્પિટલોમાં ઇન્જેક્શન ઉપલબ્ધ થતાં હવે રેમેડેસિવિર ઇન્જેક્શનની અછત ઘટશે.
અત્યાર સુધી 2 કંપનીએ 10,712 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા
અત્યાર સુધીમાં હિટ્રોન અને સિપ્લા કંપની દ્વારા ગુજરાતમાં કુલ 10,712 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યાં છે, જેમાં ગુજરાત સરકારને 2128 અને દવા બજાર અને હોસ્પિટલોમાં 8,482 ઇન્જેક્શન ઉપલબ્ધ કર્યા છે. હિટ્રોને 23 જૂનથી 18 જુલાઇ સુધીમાં ગુજરાતમાં 8312 ઇન્જેકશન ઉપલબ્ધ કરાવ્યાં હતાં, જેમાંથી ગુજરાત સરકારમાં 1628 તેમજ 6582 ઇન્જેક્શન હોસ્પિટલ અને દવા બજારમાં મોકલાયાં હતાં. સિપ્લા કંપનીએ 8 જુલાઇએ રેમેડેસિવિરનાં 2400 ઇન્જેક્શનના પ્રથમ જથ્થામાંથી 500 ગુજરાત સરકારને અને 1900 દવા બજાર અને હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યા છે. જ્યારે માયલન કંપનીના ગુજરાતમાં બે અને બેંગલુરુમાં એક મળીને કુલ 3 પ્લાન્ટ ભારતમાં છે, જેમાં ગુજરાતના બે પ્લાન્ટમાં આ કંપની ટેબ્લેટ અને કેપ્સ્યૂલનું ઉત્પાદન કરે છે. બેંગલુરુમાં ઇન્જેક્શનનું ઉત્પાદન કરે છે.
22 દિવસે પ્રથમ બેચ તૈયાર થઈ
રેમેડેસિવિર અમેરિકાની ગિલિયડ સાયન્સીસ કંપનીનું પેટન્ટેડ મોલેક્યુલ છે. આ કંપનીએ માયલન અને ભારતને આ ઇન્જેક્શનનાં ઉત્પાદનની મંજૂરી આપી હતી, ત્યાર બાદ 22 દિવસ પછી રેમેડેસિવિરની પ્રથમ બેચ તૈયાર થઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jmH6RZ
No comments:
Post a Comment